રાજ્ય સરકારે ગુજરાતને આગામી વર્ષ 2030 સુધીમાં મેલેરિયામુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. સરકાર “મેલેરિયામુક્ત ગુજરાત 2030” અભિયાન હેઠળ મેલેરિયાનું નિર્મૂલન કરવા સક્રિય રીતે કામગીરી હાથ ધરી છે. રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં એક હજારની વસતિએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ 2027 સુધીમાં શૂન્ય સ્તરે લઈ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
જંતુનાશક દવા છંટકાવ કામગીરી અંતર્ગત આ વર્ષે રાજ્યમાં જૂન મહિના સુધીમાં 22 જિલ્લાના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ 218 ગામમાં 45 હજાર 355 ઘરને આવરી લેવાયા છે. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકામાં “હાઉસ ટૂ હાઉસ” અભિયાન 2 તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યમાં 492 વેક્ટર કન્ટ્રોલ ટીમ મંજુર કરવામાં આવી છે, જે હાલમાં તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં વાહકજન્ય રોગ અટકાયતની કામગીરી કરી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આ વર્ષે “મેલેરિયામુક્ત ગુજરાત”ના લક્ષ્યને પૂરા કરવા આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી મેલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ કરાશે. તેમ જ રાજ્ય, જિલ્લા અને મહાનગરકક્ષાએ જનસમુદાયમાં જનજાગૃતિ ફેલાવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. શાળાઓ અને મહાવિદ્યાલયોમાં વાહકજન્ય રોગ સબંધિત વિવિધ કાર્યક્રમો થકી આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય ‘વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર’.
Disclaimer: This press release is sourced from News On AIR, Prasar Bharti and Press Information Bureau India (PIB).